પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગ્રામિણ લોકોના લાભાર્થે પ્રધાન મંત્રી આવાસ યોજના – ગ્રામિણના અમલને બહાલી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ઘરવિહોણા તમામ લોકોને પાકા મકાનો બનાવવા માટે તથા જર્જરીત મકાનોમાં રહેતા લોકોને પણ પાકા મકાનો બાંધવા માટે નાણાંકિય સહાય પુરી પાડવામાં આવે છે.
આ યોજનાના અમલ માટે વર્ષ 2016-17 થી 2018-19 સુધીના ત્રણ વર્ષના ગાળામાં થનારો ખર્ચ રૂ. 81975 કરોડનો રહેશે. એવી દરખાસ્ત છે કે, 2016-17 થી 2018-19 સુધીના ગાળામાં એક કરોડ પરિવારોને પાકા મકાનો બનાવવા માટે સહાય પુરી પાડવામાં આવશે. આ યોજનાનો અમલ દિલ્હી અને ચંડીગઢ સિવાય સમગ્ર ભારતમાં ગ્રામિણ વિસ્તારોમાં કરાશે. મકાનનો ખર્ચ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ઉઠાવાશે.
યોજનાની વિગતો આ મુજબ છેઃ-
એ) ગ્રામિણ આવાસ યોજના અર્થાત પ્રધાન મંત્રી આવાસ યોજના- ગ્રામિણનો અમલ કરાશે.
બી) 2016-17 થી 2018-19 સુધીના ત્રણ વર્ષના ગાળામાં ગ્રામિણ વિસ્તારોમાં 1.00 કરોડ પાકા મકાનો બનાવવા માટે સહાય પુરી પાડવામાં આવશે.
સી) સહાયની રકમ સામાન્ય, મેદાની વિસ્તારોમાં વધારીને દરેક મકાનદીઠ રૂ. 1,20,000 તેમજ પર્વતીય રાજ્યો/દુર્ગમ પ્રદેશો/આઈએપી જિલ્લાઓમાં રૂ. 1,30,000 કરવામાં આવશે.
ડી) રૂ. 21,975 કરોડની વધારાની નાણાંકિય જરૂરિયાત રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક (નાબાર્ડ)ના માધ્યમથી ઋણ દ્વારા પુરી કરાશે અને વર્ષ 2022 પછી બજેટ ફાળવણી દ્વારા તેની પરત ચૂકવણી કરાશે.
ઈ) લાભાર્થીઓની ઓળખ માટે વર્ષ 2011ની વસતિ ગણતરીની સામાજિક આર્થિક તથા જ્ઞાતિવાર વિગતોને આધારરૂપ ગણાશે.
ઈ) લાભાર્થીઓની ઓળખ માટે વર્ષ 2011ની વસતિ ગણતરીની સામાજિક આર્થિક તથા જ્ઞાતિવાર વિગતોને આધારરૂપ ગણાશે.
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ-
1. સહાય માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની ઓળખ તથા તેમને પ્રાથમિકતા નક્કી કરવા માટે વસતિ ગણતરીની સામાજિક આર્થિક તથા જ્ઞાતિવાર વિગતોનો ઉપયોગ કરાશે, જે સંપૂર્ણ પારદર્શકતા અને હેતુલક્ષિતાની ખાતરી આપશે.
2. યાદી ગ્રામસભા સમક્ષ રજૂ કરાશે, જેથી અગાઉ સહાય પ્રાપ્ત કરી ચૂક્યા હોય અથવા તો અન્ય કારણોસર સહાયની પાત્રતા ગુમાવી ચૂક્યા હોય તેવા લોકોને ઓળખી કાઢી શકાય. આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
3. મકાનદીઠ સહાયની રકમની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મેદાની વિસ્તારોમાં, સામાન્ય રાજ્યોમાં 60:40ના પ્રમાણમાં તથા ઈશાનના રાજ્યો તથા પર્વતીય રાજ્યોમાં 90:10ના પ્રમાણમાં કરાશે.
4. ગ્રામ સભા દ્વારા સહયોગી પ્રક્રિયાના માધ્યમથી સમગ્ર યાદીમાંથી લાભાર્થીઓની વાર્ષિક યાદી નક્કી કરાશે. અસલ યાદીમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો ગ્રામસભાએ તેના કારણો લેખિતમાં રજૂ કરી તેને યોગ્ય સાબિત કરવાનું રહેશે.
5. નાણાં લાભાર્થીઓના ખાતામાં સીધા જ, ઈલેક્ટ્રોનિકલી તબદિલ કરાશે.
6. ભૌગોલિક સંદર્ભ ધરાવતા ફોટોગ્રાફ્સ મોબાઈલ એપના માધ્યમથી અપલોડ કરાશે અને તેનું નિરીક્ષણ કરાશે. લાભાર્થી પણ એપના માધ્યમથી પોતાની સહાયની રકમની ચૂકવણીની પ્રગતિની વિગતો ઉપર નજર રાખી શકશે.
7. મનરેગા હેઠળ લાભાર્થી 90 દિવસનો બિનકુશળ શ્રમ મેળવવા માટે હકદાર છે. આ લાભ તેને મળી રહે તેની ખાતરી પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) અને મનરેગા (MGNREGA) વચ્ચેના સર્વર લિંકેજથી કરાશે.
8. લાભાર્થીઓને જે તે વિસ્તારમાં સામાન્ય રીતે આવતી કુદરતી આપત્તિઓનો સામનો કરી શકે એવી ખૂબીઓ ધરાવતી, સ્થાનિક સંદર્ભમાં સુયોગ્ય મકાનોની ડીઝાઈન સુલભ બનાવાશે.
9. કડિયા કારીગરોની સંભવિત તંગીના ઉપાય માટે, લોકોને કડિયાકામની તાલિમ એક સતત પ્રક્રિયા તરીકે પુરી પાડવામાં આવશે.
10. બાંધકામ સામગ્રીની વધારાની જરૂરિયાતને પહોંચી વળી શકાય તે માટે મનરેગા હેઠળ સીમેન્ટ મિશ્રિત માટીની અથવા તો ફલાય એશની ઈંટોનું ઉત્પાદન પણ હાથ ધરાશે.
11. લાભાર્થીને ઘર બાંધવા માટે રૂ. 70,000 સુધીની લોન પ્રાપ્ત કરાવવાની વ્યવસ્થા કરાશે, એ સુવિધા વૈકલ્પિક રહેશે.
12. મકાનનું કદ હાલના 20 ચો. મીટરથી વધારીને 25 ચો. મીટર કરાશે અને તેમાં આરોગ્યપ્રદ રીતે રસોઈ બનાવવા માટેની એક અલાયદી જગ્યાનો સમાવેશ કરાશે.
13. હિત ધરાવતા તમામ પક્ષકારો માટે સઘન ક્ષમતા નિર્માણની કવાયત પણ હાથ ધરાશે.
14. મકાનના બાંધકામમાં ટેકનિકલ સુગમતા માટે તથા ગુણવત્તાના મુદ્દાઓના ઉપાય માટે જિલ્લા તથા તાલુકા સ્તરે સહયોગ પુરો પાડવામાં આવશે.
15. લક્ષિત મકાનોનું બાંધકામ સુગમ બનાવવા તથા તેની ગુણવત્તાની ખાતરી માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને ટેકનિકલ સહયોગ પ્રાપ્ય બનાવવા એક રાષ્ટ્રીય ટેકનિકલ સપોર્ટ એજન્સીની સ્થાપના કરાશે.
ઘર એક આર્થિક મિલકત છે અને સામાજિક દરજ્જામાં વધારો કરવામાં તથા તંદુરસ્તી અને શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ઉપર તેનો સ્વાભાવિક સકારાત્મક પ્રભાવ પડે છે. એક કાયમી ઘરના દેખિતા અને દેખિતા ના હોય તેવા લાભો પણ પરિવાર તથા સ્થાનિક અર્થતંત્ર માટે અનેક, અમૂલ્ય છે.
ભારતમાં બાંધકામ ક્ષેત્ર રોજગારીની સૌથી વધુ તકો ઉભી કરવામાં બીજા ક્રમે આવે છે. આ ક્ષેત્ર 250થી પણ વધુ આનુષાંગિક ઉદ્યોગો સાથે શક્તિશાળી અગ્રવર્તી તથા પશ્ચાદવર્તી લિંકેજીસ ધરાવે છે. ગ્રામિણ વિસ્તારોમાં મકાન નિર્માણના વિકાસથી ગ્રામિણ સમુદાયોમાં વસતા લોકોમાં બાંધકામ સંબંધી વ્યવસાયોમાં માંગ વધવાના કારણે નવી રોજગારીની તકોનું સર્જન થાય છે. બાંધકામ સામગ્રીની ખરીદી, કુશળ તથા બિનકુશળ શ્રમિકોની સેવાઓનો ઉપયોગ, પરિવહન સેવાઓ તેમજ તેના પરિણામે નાણાંકિય સંસાધનોનો પ્રવાહ આર્થિક પ્રવૃત્તિઓનું એક સકારાત્મક ચક્ર ફરતું કરે છે અને તેનાથી ગામડાઓમાં માંગ વધે છે.
તેની અસરો બે તબક્કે વર્તાય છેઃ બાંધકામ દરમિયાન અને પછી તેમાં રહેણાંક વખતે. તેના સકારાત્મક પરિણામોમાં અધિક સામાજિક મૂડી અને સુદીર્ઘ સમુદાયો સહિતના સામાજિક એકીકરણનો સમાવેશ થાય છે. ઘરની સુરક્ષા અને સુવિધા વધુ સામાજિક સુરક્ષા, લોકોના પોતાના વિષેના ખ્યાલમાં સકારાત્મકતામાં વધારો તથા ગરીબીની મુશ્કેલીઓનો સામનો કરવાની મજબૂત લાગણીનો સમાવેશ થાય છે.
રહેણાંકની સુવિધામાં સુધારાના દેખિતા ના હોય તેવા લાભોમાં શ્રમિકોની ઉત્પાદકતામાં ફાયદા તથા આરોગ્યના સકારાત્મક લાભનો સમાવેશ થાય છે. પોષણ, સફાઈ-સ્વચ્છતા, માતા તેમજ શિશુઓના આરોગ્ય જેવા માનવ વિકાસના માપદંડો ઉપર પણ તેનો સકારાત્મક પ્રભાવ વર્તાય છે. ભૌતિક અને શારીરિક માહોલમાં સુધારાની સાથોસાથ એકંદરે જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
પશ્ચાદભૂમિકા
સરકારે મે 2014માં સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિના સંબોધનમાં એવી ઘોષણા કરી હતી કે, “દેશની આઝાદીના 75 વર્ષ પુરા થશે (2022) ત્યાં સુધીમાં દરેક પરિવારનું પોતાનું પાકુ ઘર હશે અને તેમાં પાણીનું કનેક્શન, શૌચાલયની સુવિધા, 24×7 વીજળી પુરવઠો તથા અન્ય સુવિધાઓ સુલભ હશે.” વધુમાં, કેન્દ્રીય નાણાં મંત્રીશ્રીએ વર્ષ 2015-16 માટેનું વાર્ષિક બજેટ રજુ કરતી વખતે સરકારના એવા ઈરાદાની પણ ઘોષણા કરી હતી કે “સહુ કોઈ માટે ઘર”નો ધ્યેય 2022 સુધીમાં સિદ્ધ કરાશે. આ દરખાસ્ત ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં ગ્રામિણ આવાસ માટેના હાલના કાર્યક્રમની નવરચના કરાશે અને તેનો ધ્યેય તમામ ઘરવિહોણા લોકો તેમજ જર્જરીત મકાનોમાં રહેતા તમામ લોકોને પાકા મકાનો સુલભ બનાવવાનો છે. યોજનાના શહેરી હિસ્સાને 25મી જુન, 2015ના રોજ મંજુરી અપાઈ ગઈ છે અને તેના અમલીકરણનો આરંભ પણ થઈ ગયો છે.
ગ્રામિણ વિકાસ મંત્રાલય હસ્તક અમલીકરણ હેઠળની હયાત ગ્રામિણ આવાસ યોજના {ઈન્દિરા આવાસ યોજના (IAY)} અંતર્ગત મેદાની, સામાન્ય વિસ્તારોમાં રૂ. 70,000 અને પર્વતીય/દુર્ગમ વિસ્તારો, આઈએપી જિલ્લાઓ સહિતના વિસ્તારોમાં રૂ. 75,000 નાણાંકિય સહાય ગ્રામિણ ગરીબોના પરિવારોને (ગરીબીની રેખા હેઠળ જીવતા – BPL પરિવારોને) મકાન બાંધકામ માટે પુરી પડાય છે. આ યોજનાનો આરંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 351 લાખ મકાનોનું બાંધકામ થયું છે અને તેની પાછળ કુલ રૂ. 1,05,815.80 કરોડનો ખર્ચ થયો છે. આ નવી યોજના ગ્રામિણ વિસ્તારોમાં મકાન બાંધકામના પ્રયાસોમાં એક મહત્ત્વનો વધારો બની રહેશે અને સાથેસાથે નવા બંધાતા મકાનોની સારી ગુણવત્તાની પણ ખાતરી રહેશે.
The tangible and intangible benefits flowing from a permanent house are numerous and invaluable to both the family and the local economy
No comments:
Post a Comment